Showing posts with label gujarati. Show all posts
Showing posts with label gujarati. Show all posts

Brihspati Guruvar vrat katha (બૃહસ્પતિના ગુરુવાર ની વાર્તા)

બૃહસ્પતિના ગુરુવાર ની વાર્તા

 

શનિદેવ અને બૃહસ્પતિ હતા. શનિદેવ કહે હું મોટો અને બૃહસ્પતિ કહે હું મોટો. બૃહસ્પતિ કહે લીલા ઝાડ પર તમે બેસો અને સૂકા ઝાડ પર હું બેસુ. શનિદેવ લીલા ઝાડ પર બેઠા અને સૂકા ઝાડ પર બૃહસ્પતિદેવ બેઠા. જ્યાં શનિદેવ બેઠા તા ત્યાં સૂકું ઝાડ થઈ ગયું અને બૃહસ્પતિ બેઠા હતા ત્યાં લીલું ઝાડ થઈ ગયું. બૃહસ્પતિ ના પગે પડી શનિદેવ ચાલતા થયા. બૃહસ્પતિ પીપળાના ઝાડ નીચે બેઠા. ત્યાં એક બ્રાહ્મણ ડોશી બેઠી. બૃહસ્પતિએ ડોશીને પૂછ્યું કે અત્યારે ક્યાં ગયા હતા માજી? ડોશીમાએ કહ્યું કે ભાઈ, માંગવા ગઈ હતી. છોકરા છે પણ ખાવાના સાસા છે એટલે માંગવા ગઈ હતી.

બૃહસ્પતિ કહે માજી મારું કીધું કરશો? તમે શ્રાવણ માસ આવે ત્યારે પહેલો ગુરુવાર આવે ત્યારે બૃહસ્પતિ નો દોરો લેવો આઠ હર અને આઠ ગાંઠ વાળી દોરો કરવો. અને પીપળાનું પાન લેવું અને પાન ઉપર બૃહસ્પતિને ચીતરવા અને વાર્તા કરવી. વાર્તા સાંભળનારે મનમાં બૃહસ્પતિ બૃહસ્પતિ બોલવું. પછી દૂધ ભાત ખાવા અને મીઠું ખાવું નહીં. અને આ સાતેય કામ સાથે કરવા. માથું ધોવું, ગોળા વીછળવા, ઝાળા ના પાડવા, હજામત કરવી. તેવી રીતે સાતે કામ સાથે કરવા. પછી ડોશીમા ઘરે ગયા અને વહુ ને કહ્યું, શ્રાવણ માસ આવ્યો અને ગુરુવાર આવ્યો એટલે ડોશીમાએ વહુઓને કહ્યું આજે આપણે ગુરુવાર કરવાનો છે. નાહી ધોઈને દોરા કરજો અને ભાતની ખીર બનાવજો પછી વાર્તા કરીશું. એમ કરતા બે ત્રણ ગુરુવાર ગયા. ત્યાં ડોશીમા ના ઘરમાં સારું થવા માંડ્યું. એમ કરતા ચાર ગુરુવાર પૂરા થતા તો ઘરમાં પૈસાનો પાર રહ્યો લક્ષ્મીજી ઘરમાં આવ્યા અને કામ વધ્યું.

પછી ડોશીમાએ કહ્યું અમો જાત્રામાં જઈએ છીએ, તમે ઘર સાચવજો, ગૃહસ્પતિ નો દોરો લેજો. ડોસો અને ડોશી જાત્રા કરવા ગયા અને શ્રાવણ માસ આવ્યો. બધી વહુએ નક્કી કર્યું કે આજે ગુરુદેવ માંગવા આવશે એટલે આપણે એવું માંગશું કે આપણને શાંતિ આપો. અમે કામથી કંટાળી ગયા છીએ. અમારે શાંતિ જોઈએ છે. આરામ જોઈએ છે. પછી ગુરુજી ભિક્ષા માટે આવ્યા ત્યારે વહુએ કહ્યું કે ગુરુજી અમોને શાંતિ મળે તેવું કરો. ગુરુજીએ કહ્યું કે માંડ તમારી સાસુએ મેળવ્યું છે તમે આવું માંગો. વહુઓ માની નહીં એટલે ગુરુદેવે કહ્યું કે આવતા ગુરુવારે તમે સાતેય કામ સાથે કરજો એક માથે સ્નાન કરજો, બીજી કપડાં ધોજો. ત્રીજી ગાર કરજો, ચોથી ખીચડી કરજો, પાંચમી ગોળા વીછડજો, છઠ્ઠી જાળા કાઢજો અને સાતમી પોતાના વરને હજામત કરવા મોકલજો એવું કહીને ગુરુદેવ જતા રહ્યા. અને ગુરુવાર આવ્યો બધી વહુએ ગુરુદેવે કહ્યું તેમ સાતે કામ સાથે કરવા માંડ્યા. નાની વહુએ કહ્યું આવું કરવું જોઈએ સાસુમાએ માંડ ભેગું કરેલું છે પણ જેઠાણીએ નાની વહુનું માન્યું નહીં. અમારે તો આમ કરવું છે. લક્ષ્મીજી તો ઘરમાંથી રમઝમ કરતા ચાલ્યા ગયા ઘરમાં ઢોર મારવા લાગ્યા. ખાવાના સાસા પડવા લાગ્યા. વહુઓ ઘરે ઊંઘે છે અને દીકરાઓ પેઢી ઊંઘે છે. થોડા દિવસ થયા ત્યાં ડોશી અને ડોસો જાત્રા કરીને ઘરે આવ્યા અને કહેવરાવ્યું કે મારા ઘરે સામૈયા કરો ત્યારે ગામના લોકોએ કહ્યું કે તમારી વહુઓ તો ઘરે ઊંઘે છે. દીકરાઓ પેઢીએ ઊંઘે છે. અને ઢોરો મરેલા છે. કેવા સામૈયા અને કેવી વાતો? લક્ષ્મીજી તો તમારા ઘરમાં થી રમઝમ કરતા ચાલ્યા ગયા છે. ડોસો અને ડોશી હાંફળા ફાંફળા થતા ઘરે આવ્યા. જુએ તો ઘરમાં ગંધાય ઉઠ્યું છે. વહુઓ ઘસઘસાટ ઊંઘે છે. ડોશીમાએ વહુઓ અને દીકરાઓને ઉઠાડ્યાં અરે બધું કઈ રીતે થઈ ગયું? વહુએ કહ્યું કે અમે ગુરુદેવ આવ્યા ત્યારે શાંતિ મળે તેવું માગ્યું. ડોશીમાએ કહ્યું અરે અભાગણીયો, કામ નહોતું થતું તો કામવાળા રાખવા હતા પણ આવું તો નહોતું માંગવું. ડોશીમા તો રોતા રોતા પીપળાના ઝાડ પાસે ગયા અને બેઠા. ત્યાં એક બ્રાહ્મણ આવ્યો, એણે પૂછ્યું કેમ માજી રડો છો? ત્યારે માજીએ કહ્યું કે હું જાત્રાએ ગઈ ત્યારે વહુએ ગુરુદેવ પાસે એવું માંગ્યું કે અમે કામથી કંટાળી ગયા છીએ અમને શાંતિ મળે તેવું કરો. ગુરુજીએ ના પાડી તો પણ માની નહીં. ત્યારે બ્રાહ્મણ કહે તમે ઘરે જઈને કહેજો કે જેને કામ કરવું હોય તે ઘરમાંથી ચાલ્યા જાય અને જેને કામ કરવું હોય તે અહીં ઘરમાં રહે અને પછી ફરીથી ગુરુવાર કરજો. બધા સારા વાના થશે. ડોશીમા તો ઘરે ગયા અને બધાને કહ્યું જેને કામ કરવું હોય તે રહો અને જેને કામ કરવું હોય તે ચાલ્યા જાઓ. અને ત્યાં તો વહુઓ ઘરમાંથી નીકળી ગઈ અને સૌથી નાની વહુ ઘરમાં રહી અને કહ્યું કે હું તો કામ કરીશ અને તમારી સાથે રહીશ. પછી નાની વહુ તો સાથે રહે છે અને શ્રાવણ માસ આવ્યો ગુરુવાર આવ્યો. નાની વહુએ દોરો કર્યો અને બે ત્રણ ગુરુવાર થયા ત્યાં તો ફરી પાછા સૌ સારા વાના થઈ ગયા અને પહેલાની જેમ બધું સારું થઈ ગયું. નાની વહુ તો ચાંદીનું બેડું લઈને પાણી ભરવા જાય છે. ત્યાં તો જેઠાણીઓ તે દેરાણીને જોઈને ઈર્ષા કરે છે કે આપણે તો ખાવાના પણ સાંસા છે અને તો ચાંદીના બેડા લઈ પાણી ભરે છે. જેઠાણીઓ તો નાની વહુ ને ઉભા રાખે છે અને કહે છે કે અમારે સાથે રહેવા આવવું છે. નાની વહુએ કહ્યું કે તમે બાપુજી અને બા ને કહો. મને નહીં. નાની વહુએ ઘરે આવીને સાસુને બધી વાત કરી. જેઠાણીઓ સાથે રહેવા આવે છે, તે લોકોને ખાવાના પણ સાંસા છે. સાસુએ કહ્યું કે મારે તેઓનું ઘરમાં કંઈ કામ નથી. તેઓને જે જોઈતું હોય તે લઈ જાય. અનાજ, કપડા મોકલી દો. પછી ડોશી અને ડોસા ને તો વૈકુંઠમાંથી વિમાન તેડવા આવે છે. ડોશીમાએ નાની વહુ ને કહ્યું કે તમે મારા દોરા ની પૂજા કરજો અને જેઠાણીઓને ઘરમાં આવવા ના દેશો. તમે વ્રત કરજો. ડોશીમા ગયા અને જેઠાણીઓએ કહ્યું કે અમને ઘરમાં આવવા દો. ત્યારે નાની વહુએ ના પાડી કે માજીએ તમોને ઘરમાં આવવા દેવાની ના પાડી છે તમારે જે જોઈએ તે લઈ જાઓ.

 

હે બૃહસ્પતિદેવ, જેવા ડોશી અને નાની વહુ ને ફળ્યા તેવા સૌને ફળજો.

 

વ્રત અમારું સત તમારું.